છપ્પનિયા દુકાળથી ભરૂચમાં જ થાય છે ઇન્દ્ર દેવ તરીકે મેઘરાજાની સ્થાપના..


ગુજરાતમાં માત્ર નર્મદા નદી ની પવિત્ર માટીમાંથી થાય છે ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની સ્થાપના 


પ્રથમ વખત મેઘરાજા ભક્તોને દર્શન આપી શ્રાવણી દશમે નગરચર્યાએ નીકળ્યા બાદ વિસર્જન યાત્રાએ નીકળશે 

ભરૂચમાં મેઘરાજા સાથે ભોઈ પંચ,ખારવા પંચ અને વાલ્મિકી પંચ દ્વારા છડી ઉત્સવ પણ હોય છે આકર્ષણનું કેન્દ્ર 

ભોઈ પંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની નદીની માટીમાંથી સ્થાપના કરી રંગરોગાન સાથે તહેવારો મુજબ મેઘરાજાને પરિધાન સાથે નયનરમ્ય સ્વરૂપ અપાઈ છે 

દિનેશ મકવાણા ભરૂચ,

વિશ્વમાં અને ગુજરાતમાં માત્ર ભરૂચ જીલ્લામાં જ છપ્પનિયા દુકાળથી છેલ્લા વર્ષોથી ભોઈ પંચ દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની પરંપરા મુજબ સ્થાપના કરી મેઘ ઉત્સવની પ્રથાને યથાવત રાખી છે અને મેઘ ઉત્સવ દિવાળી કરતા પણ વધુ મોટો તહેવાર ભરૂચ જીલ્લા વાસીઓ માટે બની રહ્યો છે. એક મહિના સુધી મેઘરાજા ભક્તો વચ્ચે દર્શન અર્થે રહેતા તહેવાર મુજબ મેઘરાજાને વસ્ત્ર સાથે વિવિધ નયનરમ્ય સ્વરૂપ અપાઈ છે અને ભક્તોમાં મેઘરાજા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.


ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ છપ્પનિયા દુકાળ વખતની પરંપરાને ભરૂચ ભોઈ પંચ સમાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે અને અષાઢી અમાસના દિવસે ભરૂચની પવિત્ર નર્મદા નદીની માટીમાંથી ભોઈ પંચના યુવાનો દ્વારા ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની પ્રતિમા તૈયાર કરી વિધિવંત પૂજા અર્ચના કરી મેઘરાજાને ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લા મુકવામાં આવે છે અને મેઘરાજાને રંગરોગાન સાથે અદ્દભુત વસ્ત્રો ધારણ કરાવી નયનરમ્ય સ્વરૂપ આપી તેમજ તહેવાર મુજબ સ્વાતંત્ર્ય પર્વ અને નાળિયેરી પૂનમ સહિતના શ્રાવણ માસ દરમ્યાન આવતા તહેવારોનો શણગાર કરવામાં આવે છે.સ્વાતંત્ર્ય પર્વએ ભારત દેશના તિરંગાનો શણગાર કરી આકર્ષણનું કેન્દ્ર ઉભું થતું હોય છે અને દર્શનાર્થે આવતા ભક્તોએ પણ મેઘરાજા સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી..

*કેમ મેઘરાજાની સ્થાપના કરાઈ છે*

છપ્પનિયા દુકાળ એટલે કે ચોમાસાની ઋતુ હોય અને વરસાદ વરસતો ન હતો અને વરસાદ વરસે તેવા કોઈ એંધાણ દેખાતા ન હતા જેના પગલે સમગ્ર સમાજના લોકોએ મેહુલિયા વરસાદને રીઝવવા માટે ભજન અને કીર્તન કર્યા,પ્રાર્થનાઓ કરી,યજ્ઞ કર્યા છતાંય વરસાદ વરસે તેવા કોઈ અણસારો દેખાતા ન હતા અને તે સમયે ભોઈ પંચના લોકોએ વરસાદ વરસે તે માટે ઈન્દ્રદેવ તરીકે મેઘરાજાની માટી માંથી પ્રતિમા તૈયાર કરી અને સંકલ્પ કર્યો કે શ્રાવણી દશમ સુધી વરસાદ નહિ વરસે તો મેઘરાજાની ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત કરેલ પ્રતિમાને ખંડિત કરવામાં આવશે અને સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની પૂજા અર્ચના કરી અને મેહુલિયાનું આગમન થયા તેવા તમામ પ્રયાસો કર્યાં અને શ્રાવણી દશમે ઈન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાને ખંડિત કરવાનો સમય આવ્યો ત્યારે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી અને ધોધમાર વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા અને ઢોળ ઢાખળો,પશુપાલકો,ખેડૂતો વરસાદમાં ઝૂમી ઉઠ્યા અને ત્યારથી જ ભોઈ પંચના લોકોએ સંકલ્પ કર્યો અને દર શ્રાવણ માસમાં મેઘરાજાની સ્થાપના કરવી અને આ પર્વ ને ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવો અને ત્યારથી જ આ ઉત્સવ ભોઈ પંચ માટે દિવાળી કરતા પણ મોટો પર્વ બની ગયો અને આજે પણ મેઘ ઉત્સવ માત્ર ગુજરાતમાં ભરૂચ જીલ્લામાં જ મનાવવામાં આવે છે અને આ ચાર દિવસ ભોઈ સમાજના લોકો વેપાર ધંધા છોડી મેઘ ઉત્સવ મનાવવા મગ્ન બની જતા હોય છે.      

*મેઘ ઉત્સવમાં છડી ઉત્સવનું શું છે મહત્વ*

મેઘ ઉત્સવમાં ત્રણ સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને ભરૂચ જીલ્લામાં ત્રણ સમાજ જેમાં ભોઈ પંચ,ખારવા પંચ અને વાલ્મિકી સમાજ દ્વારા છડી ઉત્સવ મનાવવામાં આવે છે અને આ ત્રણેય સમાજના લોકો પોતાના ઘોઘારાવ મંદિરે સાતમના દિવસે ઘોઘારાવ મહારાજની સ્થાપના કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને નોમની એક રાત્રિનું રોકાણ કરવા ઘોઘારાવ અન્ય સ્થળે તેમની માતાને મળવા જતા હોય છે જેના ભાગરૂપે છડીને ઘોઘારાવ મંદિરથી અન્ય સ્થળે તેની માતાને મળવા જતા હોય છે અને સદા ત્રણ દિવસ ઘોઘારાવ ઘરતી ઉપર આવતા હોવાની માન્યતાઓ રહી છે.દશમના દિવસે એક રાત્રીના છડીના રોકાણ બાદ ઘોઘારાવ મહારાજ છડીના સ્વરૂપે પરત જતા હોય છે અને તે સમય દરમ્યાન ઘોઘારાવ મહારાજને રોકવા તેમની માતા તેમની પૂંછડી પકડી લે છે અને ઘોઘારાવ મહારાજને રોકવાના પ્રયાસો કરે છે.જેથી ઘોઘારાવ મહારાજ તેમની માતાએ પકડેલી ઘોડાની પૂંછડી કાપી નાખે છે અને વચન આપે છે કે વર્ષમાં શ્રાવણ મહિનામાં સાડા ત્રણ દિવસ ધરતી ઉપર તમને મળવા આવીશ અને ત્યાર થી જ ભરૂચમાં ભોઈ પંચ,ખારવા પંચ અને વાલ્મિકી સમાજ દ્વારા છડી ઉત્સવના ભાગરૂપે ઘોઘરાવની સ્થાપના કરી પર્વ મનાવવામાં આવે છે.

*કેમ મેઘમેળો યોજાઈ છે* 

ભોઈવાડ ખાતે સ્થાપિત મેઘરાજાના સ્થાપન સ્થળ થી પાંચબત્તી સર્કલ અને તેની આજુબાજુ નો વિસ્તાર એટલે કે સેવાશ્રમ રોડ,સ્ટેશન રોડ અને મહાત્મા ગાંધી રોડ સુધી મેળો યોજાઈ છે અને આ મેળામાં ગુજરાત ભર માંથી માનવ મહેરામણ ઉમટી પડે છે અને મેળામાં ખાણી પીની સહિત રમકડાના અને મનોરંજન સહિતના અંદાજે 1500 થી વધુ સ્ટોલ લાગે છે.જેમાં વેપારીઓને પણ રોજગારી મળી રહી છે અને આ મેળામાં ભરૂચ જીલ્લાના જ નહિ પંરતુ ગુજરાતભરમાંથી વેપારીઓ રોજગારી માટે ધામા નાંખી સમગ્ર વર્ષ દરમ્યાનની રોજગારી મેળવતા હોવાનું માનવામાં આવે છે.

*કેમ બાળકને ઘેમરજા સાથે ભેટાડવામાં આવે છે*

મેઘરાજા સાથે શૂન્ય થી 12 વર્ષ સુધીના બાળકો ને મેઘરાજા સાથે ભેટાડવાથી બાળક તંદુરસ્ત અને રોગમુક્ત રહે છે તેવી માન્યતા રહેલી છે અને એટલા માટે જ ઘણા માતા-પિતા બાળકોને તાજા જન્મેલા હોય અને અઠવાડિયું થયું હોય તેવા બાળકોને મેઘરાજા સાથે ભેટાડવા લાવતા હોય છે અને મેઘરાજા ના પર્વ ચાર દિવસ મેળામાં સુતરના દોરાનું પણ વિતરણ કરવામાં આવે છે અને આ દોરાને શરીરના અંગો ઉપર બાંધવાથી પણ રોગમુક્ત સાથે પરિવારમાં સુખ શાંતિ રહેતી હોવાની માન્યતાઓ રહેલી છે.

*શ્રાવણી દશમના દિવસે મેઘરાજાની વિસર્જન યાત્રા*

દશમના દિવસે મેઘરાજા હજારો ભક્તોની વચ્ચેથી વિદાય લેતા હોય છે અને ત્યારે ભોઈ પંચના લોકોની આંખોમાં આંસુ આવી જતા હોય છે.સાથે મેઘરાજાના સ્થાપના સ્થળેથી નગરચર્ચાએ નીકળે છે ત્યારે મેઘરાજા સાથે અંતિમ સેલ્ફી લેવા માટે હજારો ભક્તો પડાપડી કરતા હોવાના દ્રશ્યો પણ સર્જાતા હોય છે.મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળતા ભક્તો અંતિમ ઝલક જોવા માટે મકાનની અગાશી,છાપરા,મકાનો જર્જરિત હોવા છતાં તેની ઉપર ચઢી જોખમી રીતે પણ દર્શન કરવા માટે પડાપડી કરી મઘેરાજાના અંતિમ દર્શન કરી ને પણ ધન્યતા અનુભવતા હોય છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....