સરદાર સરોવર ડેમ ઓવરફ્લો કરી પ્રધાનમંત્રીને તેમના જન્મદિન નિમિત્તે ભેટ અર્પણ કરી...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ મા જન્મદિવસ નિમિત્તે આજે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ છલકાંતા-ભરાતાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નર્મદાના નીરના ઇ-વધામણાં કર્યા હતાં.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના આજે ૭૦મા જન્મ દિવસ નિમિત્તે તેમના દિઘાર્યુ અને સ્વસ્થ જીવન માટે ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૭ મી સપ્ટેમ્બરે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના આ સમયગાળા દરમિયાન સરદાર સરોવર ડેમમાં વધુમાં વધુ પાણી આવતું હોય છે. સરદાર વલ્લભભાઇ પટેલનું જે સ્વપ્ન હતું કે, નર્મદા નદી ઉપર એક વિશાળ ડેમ બને અને સમગ્ર ગુજરાતને સિંચાઇ, પીવાના પાણી, પશુ-પંખી માટે પાણી ઉપલબ્ધ થાય. નર્મદા નદી ઉપર ઝડપથી ડેમ બનવો જોઇએ પરંતુ કમનસીબે મુશ્કેલીઓનો સામનો કરતાં કરતાં નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે અને તેમને આ બિડું ઝડપ્યુ, જરૂર પડી તો ઉપવાસ આંદોલન, સંઘર્ષ કરીને સરદાર સરોવર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.
આ પ્રસંગે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નર્મદા રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી રાજીવ ગુપ્તા ઉપસ્થિત રહીને શ્રીફળ અને પુષ્પ અર્પણ કરીને સંપૂર્ણ મંત્રોચ્ચાર વિધિ સાથે મા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.
નર્મદા બંધ સતત બીજા વર્ષે પૂર્ણ ભરાયો એનો ખૂબ આનંદ છે. નર્મદા બંધનું કામ પૂરું કરાવી તેનો લાભ સુલભ બનાવનારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મ દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપતાં નર્મદા વિકાસ રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે નર્મદા વિકાસ મંત્રીના મારા કાર્યકાળ દરમિયાન નર્મદા બંધ સતત બીજા વર્ષે પુર્ણ ભરાયો એનો ખૂબ આનંદ છે.તેના લીધે ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઇ નો લાભ મળશે. તેમની ખેતીની આવકમાં વધારો થશે. ૧૬ જિલ્લાના જે તળાવો ખાલી રહ્યા છે એને પણ નર્મદાના પાણી થી ભરી શકાશે.
Comments
Post a Comment