દહેજ બંદર પર વાવાઝોડાની ચેતવણીનું 3 નંબરનું સિગ્નલ : માછીમારોને દરિયો ન ખેડવા વહીવટી તંત્રની સૂચના....
ભરૂચ જિલ્લામાં ચોમાસાની મોસમ જામી છે. ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેસરની સ્થિતિ ઉભી થઈ છે. વરસાદી માહોલ તથા લો-પ્રેસરને કારણે વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓને જોતાં ગુજરાતના બંદરોને એલર્ટ કરાયાં છે. જેમાં ભરૂચ જિલ્લાના દહેજ બંદરનો પણ સમાવેશ થાય છે. સંભવિત વાવાઝોડાની ચેતવણી આપવા માટે દહેજ બંદરે શનિવારે સવારથી 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયો તોફાની બને તેવી શક્યતાને જોતાં માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે.દહેજ બંદરે ખાનગી કંપનીઓની માલિકીની 4 જેટીઓ આવેલી છે અને ત્યાં માલસામાનની હેરાફેરી કરતાં જહાજો લાંગરતા હોય છે. વહીવટીતંત્રે જેટીની સંચાલક કંપનીઓને પણ તકેદારીના પગલાં ભરવા તાકીદ કરી છે. વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના 34 થી વધારે ગામોને એલર્ટ કરાયાં છે. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાને પગલે ગામોમાં રહેતાં લોકોને સતર્ક રહેવા સુચના અપાઇ છે. ખાસ કરીને જંબુસર તાલુકાના માછીમારોને પણ વાવાઝોડાની સંભાવનાને પગલે દરિયામાં ન જવા જણાવી દેવાયું છે. તો બીજી તરફ હાલના તબકકે ચિંતાનું કોઈ કારણ નથી પરંતુ વાવાઝોડાની ચેતવણી માટે 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયામાં ન જવા સુચના આપી છે તેમજ દરીયા કાંઠે રહેતાં લોકોને સલામતીના પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે..
Comments
Post a Comment