ભરૂચમાં ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ : મંદિરો કુમારીકાઓથી ઉભરાયા તો કેટલાક વિસ્તારો માં ખુલ્લી જગ્યામાં તગારામાં શિવલિંગની સ્થાપના કરી પૂજા કરાઈ.....




ભરૂચ શહેરમાં વાંસની ટોપલીમાં વિવિધ ધાન્ય નું વાવેતર કરી જવારાની સ્થાપના કરી કુમારિકાઓ ગૌરીવ્રતનો શુભારંભ કર્યો.

હર હર મહાદેવના નાદ થી શુક્રવારની સવારથી શિવ મંદિરોમાં ભક્તો પૂજા અર્ચના માટે ઉમટ્યા.

શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ બંને વ્રતો કર્યા હતા. વ્રત દ્વારા જ પાર્વતીજીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકા પોતાને મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવે છે.અષાઢ સુદ એકાદશી થી પૂર્ણિમા સુધી પાંચ દિવસનું ગૌરી વ્રત તેમજ અષાઢ વદ બીજ સુધીનું જયા પાર્વતી વ્રત સતત પાંચ વર્ષ સુધી વારાફરતી કરવામાં આવે છે. આ બંને વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરૂપ ‘જ્વારા’નું પૂજન કરવામાં આવે છે.પકાવેલા રામપાત્ર ની અંદર ભીની માટીમાં સાત પ્રકારના ધાન્ય,ઘઉં, જઉં, તલ, મગ, તુવેર, ચોળા અને અક્ષત વાવીને જ્વારા ઉગાડાય છે. અષાઢ મહિનામાં આ સાતેય ધાન્યથી ખેતરો લહેરાતા હોય છે.‘જવારા’એ માતા પાર્વતીનું પ્રતીક છે.રૂ ની પૂણીને કંકુ વડે રંગી તેમાં ગાંઠો વાળીને ‘નાગલા’ બનાવવામાં આવે છે.‘નાગલા’ શિવનું પ્રતિક છે.શિવજી મૃત્યુંજય તો માતા પાર્વતીજી મૃત્યુંજયા છે,જેથી બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે.

વ્રતના પહેલા દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા ‘જ્વારા’ અને ‘નાગલા’ પુજાપા સાથે એક થાળીમાં લઈ સમૂહમાં શિવજી નાં મંદિરે જાય છે. મંદિરે આવી જ્વારાને નાગલા ચડાવી, અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચાર થી પૂજા કરે છે. પૂજા કરીને શિવ-પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરે છે. પાંચ દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી એકટાણું કરે છે, માટે જ અમુક પ્રાંતમાં આ વ્રતને ‘મોળાવ્રત-મોળાકત’ વ્રત કહે છે.

પાંચ દિવસના બંને વ્રતો જ્યારે પૂરા થાય છે.ત્યારે પાંચમા દિવસે જ આ જ્વારા જળાશયમાં વિસર્જન કરી કુમારિકાઓ રાત્રી દરમિયાન જાગરણ કરી શિવ-પાર્વતીની ઉપાસના કરે છે.જાગરણ પછીના છઠ્ઠા દિવસના પારણા કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે.સતત પાંચ વર્ષ સુધી આ વ્રત ક્રમાનુસાર કર્યા બાદ તેની ઉજવણી કરવામાં આવે છે.ઉજવણીમાં સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડી તેમને સૌભાગ્ય ચિન્હોનું દાન કરવામાં આવે છે.
ગૌરીવ્રત અને જયાપાર્વતી વ્રત સંબંધી કથા ભવિષ્યોત્તરપુરાણમાં આલેખાયેલી જોવા મળે છે.બંને વ્રતોમાં શિવ-પાર્વતીની ઉપાસના કરી રૂડો વર, સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્તિનો હેતુ રહેલો છે.

Comments

Popular posts from this blog

ભરૂચમાં હોમગાર્ડ જવાન બન્યો હેવાન..

ભરૂચમાં પત્રકાર અને હંમેશા સામાજિક કામ કરતા મકબુલ પટેલએ કરી દુનિયાને અલવિદા..

ભરૂચ જિલ્લા પંચાયતના CHC સેન્ટરના 2 કર્મચારીઓનું થામ ગામ નજીક અકસ્માતમાં મોત....

ગોલ્ડન બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આબાદ લોખંડની એંગલ સાથે લટકી રહેલાને બહાર કાઢ્યો.....

ભરૂચમાં આંબેડકરની પ્રતિમાને ટેડીબિયર સાથે સરખાવી મજાકનું સાધન બનાવી દેતા આંબેડકરવાદીઓમાં રોષ....